ગઝલ……..

જુલાઇ 1, 2011

બધે એક ધારી નજર ક્યાં રહે છે ?
સલામત બધાની સફર ક્યાં રહે છે ?

કરે જીવ તો એકધારા ઉધામા ,
ભમે કાળ માથે ખબર ક્યાં રહે છે ?

પ્રણય પાન કરવા પુરાશે કમળમાં ,
પછી જીવતો એ ભ્રમર ક્યાં રહે છે ?

મિલન કાજ સળગે પતંગા ભલે પણ ,
શમા પાસ એની કબર ક્યાં રહે છે ?

અહીં સજ્જનો ,શઠ ,ભગત ,રંક ,રાજા ,
કહો કોઈ ‘ મરમી ‘ અમર ક્યાં રહે છે ?

Advertisements

ગઝલ

ડિસેમ્બર 25, 2010

ઇચ્છા કામણગારી છે ,

આખર તો એ નારી છે .

 

ખુશબો આપી ફૂલોએ ,

ખૂબ હવા શણગારી છે .

 

વિરહી પળમાં સધિયારો ,

તારા ઘરની બારી છે .

 

ઘરની શોભા ને વૈભવ ,

બાળકની કિલકારી છે .

 

હું પદ ‘મરમી’ છોડી જો ,

આખી દુનિયા તારી છે .

Gazal

ઓગસ્ટ 31, 2010

એ રસીલી યાદ હૈયામાં ઢળે છે ,

એક ઝરણું આ હૃદયમાં ખળખળે છે .

 

સહુ પ્રથમ જ્યાં આપણે ભેળા થયેલા ,

ત્યાં હજીયે પ્રેમનો દીપક બળે છે .

 

વાદળાં ઘેરાય જ્યાં આકાશમાં ત્યાં ,

કેટલાં સ્મરણો અહીં ટોળે વળે છે !

 

જીવતર આખું ય મઘમઘ થાય છે આ ,

ફૂલ શી ફોરમ પ્રણયમાંથી મળે છે .

 

હોય છે ‘મરમી’ મિલનની એ જ ફલશ્રુતિ ,

જાતનો સઘળો અહં ત્યાં ઓગળે છે .

ગઝલ…

જુલાઇ 30, 2010

અહંકાર ઠેલીને ભીતર પ્રવેશો ,

સ્વયંને ઉકેલીને ભીતર પ્રવેશો .

 

લગીરેય શ્રદ્ધા બચી હોય બાકી ,

અગન તાપ ઝેલીને ભીતર પ્રવેશો .

 

ન હો ડૂબવું તો પહોંચો કિનારે ,

મરણ દાવ ખેલીને ભીતર પ્રવેશો .

 

હશે ગેબ વાતો ને ઝળહળ બધું ત્યાં ,

અહમ દૂર મેલીને ભીતર પ્રવેશો .

 

મદદ માગવા કોઈ સામે ધરે કર ,

બની જાવ બેલી ને ભીતર પ્રવેશો .

 

પલળવું ન બે ચાર છાંટા પડે ત્યાં ,

મચી હોય હેલી ને ભીતર પ્રવેશો .

 

મળી જાય ‘મરમી’ અમી દ્રષ્ટી એની ,

ખુલી જાય ડેલી ને ભીતર પ્રવેશો .

ગઝલ…..

જુલાઇ 24, 2010

નામ ગમતું બોલવાનો સ્વાદ પણ શું ચીજ છે !

એક કોમળ સ્પર્શનો ઉન્માદ પણ શું ચીજ છે !

આંગણે આવી કરે ના વાત એ મંજૂર છે ,

મૌન દ્વારા ચાલતો સંવાદ પણ શું ચીજ છે !

ભીંજવી દે , છો પછી કોરી હથેળી આપણી ,

હાથમાં હો હાથતો વરસાદ પણ શું ચીજ છે !

રૂઠવાનું તો પ્રણયમાં સાવ  સહેજે હોય છે .

કિન્તુ, હોઠે આવતી ફરિયાદ પણ શું ચીજ છે !

એટલે તો બહુ ગમે છે હર પળો એકાંતની ,

વાહ ! તારી જેમ , તારી યાદ પણ શું ચીજ છે !

સાદ પાડે ને  છતાં દેખાય ના ‘ મરમી ‘ કશે ,

ભીતરેથી આવતો આ નાદ પણ શું ચીજ છે !

Gazal

જૂન 30, 2010

રોજ માણસ આશ લઇને નીકળે છે ,
આંખમાં આકાશ લઇને નીકળે છે .

દોટ મૂકી જીવતાં ઘડિયાળ કાંટે ,
સહુ સમયની લાશ લઇને નીકળે છે .

સ્વાર્થના સંબંધ સમજીને મહોબ્બત ,
સાવ ઝૂઠી હાશ લઇને નીકળે છે .

લાગણી નામે અહીં ખેલાય સટ્ટો ,
જીતની ડંફાશ લઇને નીકળે છે .

ખોખલું ખાલીપણું માથે ઉપાડી ,
હાથમાં હળવાશ લઇને નીકળે છે .

રૂપ દર્પણમાં ત્વચાનું જોઇ ‘મરમી’ ,
ગાલ પર લાલાશ લઇને નીકળે છે .

ફેબ્રુવારી 5, 2010

એક રસ્તો જાય છે આ ઘર તરફ ,

તે   પછી   ફંટાય   છે  ઇશ્વ્રર   તરફ .

 

અંધ આંખો જોઇ ના શકતી ભલે ,

ટેરવાં લઇ જાય છે ભીતર તરફ .

 

ફૂલ   એની  જાત    નીચોવે  પછી ,

થાય છે સાચી સફર અત્તર તરફ .

 

જે વસે છે કાચના ઘરમાં સતત ,

મન સદાયે હોય છે પથ્થર તરફ .

 

તો   બધાં  પ્રશ્નો   વધારે    આવશે ,

જો તમે આગળ વધો ઉત્તર તરફ .

 

જે તરફ ડગ માંડવા હો માંડજો ,

આખરે  તો   પૂગશો  નશ્વર   તરફ .

 

પાનખર   ‘મરમી’  નહીં   છૂપી  રહે ,

હો નજર જો પર્ણની   મર્મર  તરફ .

Gazal

જાન્યુઆરી 27, 2010

સપાટી જુઓ તો છળી જાય રસ્તો ,

નજર હોય ભીતર મળી જાય રસ્તો .

  

અજાણી સફરમાં મળે સંગ તારો ,

ચરણ જ્યાં વળે ત્યાં વળી જાય રસ્તો .

 

હશે જો દશા ને દિશા બેઉ સાચી ,

બધી અડચણોને ગળી જાય રસ્તો .

 

કદી ગુલમહોરી ક્ષિતિજ પાર કરવા ,

સમી સાંજના ઓગળી જાય રસ્તો.

 

જરા ક્યાંક બાળક બની જાવ બન્ને ,

તુરત થાય હલ, નીકળી જાય રસ્તો.

 

કદમ એમ મંઝિલ ભણી માંડ ‘મરમી’,

ભરે ડગ અને ઝળહળી જાય રસ્તો. 

  

 

Gazal

જાન્યુઆરી 17, 2010
 
ધરીને હાથમાં કાગળ તને વાંચી રહ્યો છું હું ,
  
 ન દેખાતું જરાયે છળ તને વાંચી રહ્યો છું હું .
 
 
 
ચહેરો   હૂબહૂ   તારો   અહીં  દેખાય  કાગળમાં ,
  
 કરી મીઠી મધુર અટકળ તને વાંચી રહ્યો છું હું.
 
 
મજાના  અક્ષરો તારા  બધાં  મોતી  તણાં  દાણાં , 
 
ગુલો પર શોભતી ઝાકળ તને વાંચી રહ્યો છું હું . 
 
 
 
રહું રત યાદમાં તારી મને ક્યાં ભાન છે સ્થળનું ,
 
હ્રદયથી  હોઉં  છું  ઝળહળ  તને વાંચી રહ્યો છું હું .
 
 
 
પ્રણય સુખથી વધુ ‘મરમી’ નથી સુખ આ જગત માંહે ,
 
મળી ગઇ એ  પ્રણયની  પળ  તને  વાંચી  રહ્યો  છું  હું . 
 

Gazal

જાન્યુઆરી 10, 2010

શબ્દ સામે તરફડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે,

આગ ભીતર ભડભડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

 

એ શિલા પાછી અહલ્યા થૈ જવાની સ્પર્શથી,

રામનાં ચરણો અડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

 

દૂર જોજન હો ભલે, પણ ઠેસ વાગે જો તને,

ફાળ મુજ હૈયે પડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

 

પીઠ પર બેસી જશે વૈતાળ માફક કાફિયા,

વિક્રમી અર્થો જડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

 

કિંમતી હીરા સરીખા શબ્દ “મરમી” છે બધા,

ઘાટ સુંદર સાંપડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.