Archive for જુલાઇ, 2010

ગઝલ…

જુલાઇ 30, 2010

અહંકાર ઠેલીને ભીતર પ્રવેશો ,

સ્વયંને ઉકેલીને ભીતર પ્રવેશો .

 

લગીરેય શ્રદ્ધા બચી હોય બાકી ,

અગન તાપ ઝેલીને ભીતર પ્રવેશો .

 

ન હો ડૂબવું તો પહોંચો કિનારે ,

મરણ દાવ ખેલીને ભીતર પ્રવેશો .

 

હશે ગેબ વાતો ને ઝળહળ બધું ત્યાં ,

અહમ દૂર મેલીને ભીતર પ્રવેશો .

 

મદદ માગવા કોઈ સામે ધરે કર ,

બની જાવ બેલી ને ભીતર પ્રવેશો .

 

પલળવું ન બે ચાર છાંટા પડે ત્યાં ,

મચી હોય હેલી ને ભીતર પ્રવેશો .

 

મળી જાય ‘મરમી’ અમી દ્રષ્ટી એની ,

ખુલી જાય ડેલી ને ભીતર પ્રવેશો .

Advertisements

ગઝલ…..

જુલાઇ 24, 2010

નામ ગમતું બોલવાનો સ્વાદ પણ શું ચીજ છે !

એક કોમળ સ્પર્શનો ઉન્માદ પણ શું ચીજ છે !

આંગણે આવી કરે ના વાત એ મંજૂર છે ,

મૌન દ્વારા ચાલતો સંવાદ પણ શું ચીજ છે !

ભીંજવી દે , છો પછી કોરી હથેળી આપણી ,

હાથમાં હો હાથતો વરસાદ પણ શું ચીજ છે !

રૂઠવાનું તો પ્રણયમાં સાવ  સહેજે હોય છે .

કિન્તુ, હોઠે આવતી ફરિયાદ પણ શું ચીજ છે !

એટલે તો બહુ ગમે છે હર પળો એકાંતની ,

વાહ ! તારી જેમ , તારી યાદ પણ શું ચીજ છે !

સાદ પાડે ને  છતાં દેખાય ના ‘ મરમી ‘ કશે ,

ભીતરેથી આવતો આ નાદ પણ શું ચીજ છે !